ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર ઉપર FBIએ રેઈડ કેમ પાડી?

ભારતમાં કોઈ વિચારી ન શકે તેવું અમેરિકામાં થઈ શકે છે. ભારતમાં માનવ હક્કો કચડાતા હોય તો રાજ્યની CID ક્રાઈમ કે કેન્દ્ર સરકારની CBI પીડિતોને મદદ તો ન કરે; ઉલટાનું માનવહક્કો કચડવામાં સહયોગ આપે ! અમેરિકામાં લોકમત જાગૃત છે; કેમકે મીડિયા જાગૃત છે; એટલે ‘પવિત્ર સ્થળો’એ રેઈડ કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. 11 મે 2021 ના રોજ ન્યૂજર્સીના રોબિન્સવિલે સ્થિત BAPS-બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્માણાધિન મંદિર ખાતે FBI-ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને રેઈડ કરતા ઊહાપોહ મચી ગયો !
BAPS Swaminarayan Mandir NewJersey

FBIએ આ મંદિર ઉપર શામાટે રેઈડ પાડી? ભારતથી 200 જેટલાં કારીગરો/શ્રમિકોને મંદિર નિર્માણના કામ માટે ત્યાં લઈ જવામાં આવ્યા છે. આ શ્રમિકો પાસે વીકમાં 90 કલાક સુધી કામ લેવાતું હતું અને કલાક દીઠ વળતર ઓછું ચૂકવાતું હતું ! BAPS સામે બળજબરીપૂર્વક કામ કરાવવા/ટ્રાફિકિંગ/વેતનચોરી અંગે lawsuit-કેસ દાખલ થતા FBIએ મંદિર ઉપર રેઈડ કરી હતી. ન્યૂજર્સીમાં minimum wage-લઘુત્તમ વેતન કલાકના 12 ડોલર છે; જ્યારે મંદિર નિર્માણનું કામ કરતા આ શ્રમિકોને કલાકના માત્ર 1.20 ડોલરનું જ વેતન ચૂકવવામાં આવતું હતું !

શ્રમિકોના વકીલે મીડિયાને જણાવેલ કે “ભારતથી આ શ્રમિકોને ‘ધાર્મિક કાર્યકરો’ તરીકે અહીં લાવવામાં આવેલ છે; પરંતુ તેઓ નથી ધાર્મિક કાર્યકરો કે નથી સ્વયંસેવકો ! તેઓ માત્ર શ્રમિકો છે. તેમને પરત જવાની મંજૂરી અપાતી નથી; તેમના પાસપોર્ટ મંદિરે લઈ લીધેલ છે ! શ્રમિકોને કહી રાખેલ છે કે બહાર જશો તો પોલીસ પકડી જશે ! દિવસમાં 13 કલાક સુધી શ્રમિકો પાસેથી પશુ કે યંત્ર જેમ કામ લેવાતું હતું ! મોટા પથ્થરોને ઊંચકવા/ ક્રેન ચલાવવી/ખાડાઓ ખોદવા/સળિયાઓ ફેરવવા વગેરે મેન્યુઅલ કામ શ્રમિકો કરતા હતા.” શ્રમિકોનું કેટલું શોષણ ! કલાકના 12 ડોલરના બદલે માત્ર સવા ડોલર ચૂકવાય ! શ્રમિકોના પાસપોર્ટ મંદિર પોતાની પાસે કઈ રીતે રાખી શકે? કોઈ શ્રમિકને ભારત પરત આવવું હોય તો પણ મંદિર મંજૂરી ન આપે ! આ મંદિરવાળા ભારતથી માત્ર પથ્થરો અને શ્રમિકો નથી લઈ ગયા; સાથે વેઠપ્રથા પણ લઈ ગયા છે ! આ શ્રમિકોમાં દલિતો પણ છે. વિચારો; ગર્વથી એવો દાવો કરવામાં આવે છે કે આ મંદિરો ભારતીય સંસ્કૃતિ/સંસ્કારનું વિદેશોમાં પ્રતિનિધિત્વ કરે છે; શું આ દાવો ખોખલો નથી?


No comments

Powered by Blogger.